Ahmedabad Murder: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતે ધો 8 ના વિદ્યાર્થીએ ધો 10 ના વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

વિદ્યાર્થીની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકઠા થયા હતા. મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 20 Aug 2025 09:42 AM (IST)Updated: Wed 20 Aug 2025 09:42 AM (IST)
ahmedabad-khokhra-school-murder-15-year-old-student-stabbed-to-death-on-campus-588505

Ahmedabad Murder News: અમદાવાદના ખોખરામાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કરી છે. સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતે વિદ્યાર્થીને છરી ભોંકી દેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તારીખ 19 ઓગસ્ટના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો.

નજીવી બાબતે બોલાચાલી થઇ હતી

ઘોડાસરમાં વસવાટ કરતો 15 વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો, તેનો પિતરાઇ પણ એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. થોડા દિવસો પહેલા વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડી પરથી ઉતરી રહ્યો હતો. ત્યારે આ દરમિયાન ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી.

છરીના ઘા ઝીંક્યા હતા

મળતી માહિતી પ્રમાણે મંગળવારે બપોરના સમયે સ્કૂલ છૂટી તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે અન્ય પાંચથી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, આ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ત્યાથી નાસી છૂટ્યો હતો. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સ્કૂલના કમ્પાઉન્ડના પાછળના ભાગે દોડી આવ્યો હતો, જેને સિક્યુરિટી ગાર્ડે જોતા સ્કૂલ સત્તાવાળાઓ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન મોત થયું

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. આ મામલે મૃતકની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનારા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ કર્યો હતો. આ સાથે પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી હાજર અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન ટાંક્યા હતા.

અમદાવાદ શહેર DEO એ જણાવ્યું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગેની કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.